સુરતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જાય છે. પોલીસ દ્વારા આવા તત્વો પર બાજ નજર રાખવામાં આવતી હોવા છતાં પણ ગુનાહિત પ્રવૃતિ કરનારા લોકોમાં જરા પણ ડર જોવા મળી રહ્યો નથી. ત્યારે શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત જુગારીઓને ઝડપી પાડ્યા છે. શહેરમાં 4 સ્થળો પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને જુગારના અડ્ડાઓ પરથી જુગારીઓને ઝડપી પડ્યા છે.
જુગાર રમવા માટેના કોઈન સહિતનો સામાન જપ્ત
તમને જણાવી દઈએ કે જુગારના અડ્ડાઓ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી અને દરોડા પાડીને 73 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા છે અને 25 લાખથી વધુનો મુદ્દામાલ પર જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી જ 4.22 લાખની રોકડ રકમ જપ્ત કરી છે. આ સાથે જ 7.58 લાખની કિંમતના 80 મોબાઈલ, 13.20 લાખની કિંમતમાં 8 જેટલા વાહનો અને જુગાર રમવા માટે 50થી લઈ 10,000 સુધીના 1,135 જેટલા પ્લાસ્ટિકના કોઈન જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે પહેલા સલાબતપુરાના અકબર સહીદના ટેકરા વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર છાપો મારી અને 25 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે.
7 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યા
જ્યારે મુખ્ય આરોપી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોઝ મીંડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઉમરવાડા EWS આવાસ ખાતે પણ છાપો મારી 12 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં પણ 7 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પણ છાપો મારી કરીને 8 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 7 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સલાબત પુરાના મોમનાવડ ખાતે છાપો મારી 28 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. માત્ર સલાબતપૂરા વિસ્તારમાં 4 જેટલા સ્થળો પર મસમોટી જુગારની ક્લબો ચાલી રહી હતી, જે જુગારની ક્લબો પર સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.