સુરત જિલ્લામાં હત્યા માટે એપી સેન્ટર બની ગયેલા કડોદરા પંથકમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. છાશવારે હત્યાની ઘટનાને અંજામ આપી ગુનેગારો જાણે બેખોફ બની ગયા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સોનાલી ડાંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં કેટલાક શ્રમિકો મજૂરી કામ કરી રહ્યા છે. આ શ્રમિકો પૈકી ગતરોજ લવકુશ કામેશ્વર ચૌહાણ તેમજ અખિલેશ અને મુકેશ ચૌહાણ કામકાજ દરમિયાન કેન્ટીનમાં ચા નાસ્તો કરવા બેઠા હતા.


મૃતકને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા

ત્યારે તેઓની સાથે જ મીલમાં કામ કરતો રૂપમ ચોરસિયા અને સાજન શાહ પણ ત્યાં હાજર હોય પોતે પાણી લઈને આવતો હતો. જેથી લવકુશ ચૌહાણ સાજન પાસે પાણી માગતા પાણી નહીં આપી ઝઘડો શરૂ કર્યો હતો. થોડી બોલાચાલી બાદ તમામ કારીગરો છૂટા પડી ગયા હતા. પરંતુ ઝઘડો કામદારો પરસ્પર ભૂલી શક્યા ન હતા. બાદમાં રાત્રિના સુમારે અખિલેશ ચૌહાણ તેમજ ફૂલેન્દર ચૌહાણ નામના ઈસમ ઉપર રૂપમ ચોરાસીયા સંદીપ ચોરસિયા તેમજ ભાનુ પરિહારે અન્ય ત્રણ મિત્રોની મદદ વડે બાઈક પર આવી હુમલો કર્યો હતો. જે પૈકી ફૂલેન્દર ચૌહાણ નામના કામદારને છાતીના ભાગે ચપ્પુના ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા

અખિલેશ ચૌહાણ નામનો અન્ય કામદાર જે સાથે હતો, એને ચપ્પુના ઘા મારી બેરેહમીથી માર મારતા તેને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે લવકુશ કામેશ્વર ચૌહાણે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી. પોલીસે પણ સાથે કામદારની હત્યા કરનાર ભાનુ પરિહાર, રૂપમ ચોરસિયા, સાજન શાહ મળી કુલ સાત ઈસમો વિરુદ્ધ હત્યા અંગે ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં તમામને ઝડપી જેલ હવાલે પણ કરી દીધા હતા.


  • Follow us on: