સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં કતારગામ-અમરોલી ચેક પોસ્ટ નજીક સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં મિત્રોએ જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. કતારગામ-અમરોલી ચેક પોસ્ટ નજીક રાત્રે યુવકોના એક જૂથ વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે વાત મારામારી સુધી પહોંચી.


કતારગામ અમરોલી ચેક પોસ્ટ નજીક હત્યા

ઝઘડા દરમિયાન અન્ય યુવકોએ તેમના જ મિત્ર પર બોથડ પદાર્થના સખત ઘા ઝીંક્યા હતા. જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

હત્યા કરનાર 3ની પોલીસ અટકાયત કરી

પોલીસે ગણતરીના કલાકોમાં હત્યામાં સંડોવાયેલા ત્રણ ઇસમોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા ત્રણેય આરોપીઓ મૃતક યુવકના મિત્રો જ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરીને હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ગુનામાં વપરાયેલ બોથડ પદાર્થ અંગેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.


  • Follow us on: