દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સુરત પોલીસ કમિશનર (CP) દ્વારા ત્વરિત અને સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના ભાગરૂપે પોલીસ કમિશનરે ગુનેગારોનું એક વિસ્તૃત લિસ્ટ તૈયાર કરાવ્યું છે અને જુના ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, સુરત પોલીસે ભૂતકાળમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા, હથિયાર અને ડુપ્લીકેટ નોટ બનાવવાના ગુનામાં સંડોવાયેલા તેમજ બૉમ્બ બ્લાસ્ટની ઘટનાઓમાં સામેલ લોકોનું ડોઝિયર તૈયાર કર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત, 30 વર્ષ સુધીના જુના ગુનાહિત ઈતિહાસ ધરાવનારાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરતમાં 2400 લોકોની તપાસ
સુરત પોલીસે અત્યાર સુધીમાં 2400 જેટલા લોકોના ત્યાં તપાસ હાથ ધરી છે અને તેમાંથી 700 લોકોના ડોઝિયર બનાવવામાં આવ્યા છે, જેમાં તેમની ગતિવિધિઓ અને ગુનાહિત ઇતિહાસની વિગતવાર માહિતી છે. આ ઉપરાંત, સ્લીપર સેલના સભ્યોના ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 2007માં સુરતમાં થયેલા 3 બૉમ્બ બ્લાસ્ટમાં સામેલ સિમી (SIMI)ના કાર્યકર્તાઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ પૈકી, સાજીદ ગુલામને અમદાવાદમાં ફાંસીની સજા પણ આપવામાં આવી હતી. વર્તમાન સુરક્ષાના પગલાં રૂપે, પોલીસ દ્વારા ટેરર ફંડિગ પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે, જેથી આતંકવાદી પ્રવૃત્તિઓને થતો આર્થિક સહયોગ અટકાવી શકાય.













