સુરતના કોસાડ વિસ્તારમાં આવેલા એક પતરાના શેડમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તે નજીકમાં આવેલી અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઉમરા-વેલંજા રોડ પર આવેલી કુલ 3 જેટલી દુકાનો આ આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
કોસાડમાં પતરાના શેડમાં ભીષણ આગ
આગની ગંભીરતાને જોતાં 3 ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દુકાનો અને શેડમાં રહેલો માલ-સામાન બળી જતાં મોટું નુકસાન થયું છે. પતરાના શેડમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના મૂળ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.













