દાહોદ જિલ્લામાં ચાલી રહેલા DDO (જિલ્લા વિકાસ અધિકારી) વિવાદના સંદર્ભમાં ફતેપુરાના ધારાસભ્ય અને પંચમહાલ ભાજપના પ્રભારી રમેશ કટારાએ આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જોકે, તેમણે આ વિવાદ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને બચાવની મુદ્રામાં નિવેદનો આપ્યા હતા. ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું હતું કે, "દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે." આ વાત દ્વારા તેમણે વિવાદમાં સંડોવાયેલા અન્ય પક્ષોને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની છૂટ હોવાનો સંકેત આપ્યો હતો.
વિવાદ પર મૌન સેવવાનો પ્રયાસ
તેમણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના સંબંધો પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, "અધિકારીઓ MLAનું સાંભળતા નથી એવું હોતું નથી." આ નિવેદન દ્વારા તેમણે એવી ધારણાને ફગાવી દીધી કે અધિકારીઓ ધારાસભ્યોના કામમાં અવરોધ ઊભો કરે છે. કટારાએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ધારાસભ્યની કોઈ નારાજગી અધિકારી માટે નથી." આ નિવેદનથી તેમણે પક્ષના આંતરિક વિખવાદ કે કોઈ અધિકારી સામે સીધો રોષ હોવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, મીડિયા દ્વારા તેમને વિવાદ અંગે વધુ પ્રશ્નો પૂછવામાં આવતાં, રમેશ કટારાએ વિવાદના જવાબો ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને ટૂંકમાં વાત પૂરી કરી હતી. નોંધનીય છે કે રમેશ કટારા પંચમહાલના ભાજપ પ્રભારી પણ છે.













