સુરતના અમરોલી વિસ્તારમાં યુએસડીટી ક્રિપ્ટોકરન્સી ખરીદવાના બહાને એક યુવકને બંધક બનાવીને રૂ.10 લાખની લૂંટ ચલાવનારા બે આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં અન્ય ત્રણથી ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. આ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. યુવકને યુએસડીટી ખરીદવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યો ત્યારે આરોપીઓએ તેને બંધક બનાવી લીધો હતો.
આરોપી પ્રેમ ધડુક અને ભવ્ય શેટાની ધરપકડ
આરોપીઓએ તેને માર માર્યો અને ગળાના ભાગે છરી મૂકીને તેની પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તત્કાળ તપાસ હાથ ધરીને લૂંટમાં સંડોવાયેલા મુખ્ય બે આરોપીઓ પ્રેમ હરેશભાઈ ધડુક અને ભવ્ય જયેશભાઈ શેટાને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે.













