સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એક નવો અને ચોંકાવનારો કીમિયો અપનાવ્યો છે. તેઓ હવે દારૂની હેરફેર માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો પર્દાફાશ સુરત ગ્રામ્ય LCB દ્વારા કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય LCB ટીમને ઘલા ગામની સીમમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘલા ગામની સીમમાં વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકી હતી.
એમ્બ્યુલન્સમાં બનાવવામાં આવ્યું હતું ચોર ખાનું
એમ્બ્યુલન્સની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સની અંદરના ભાગે ગુપ્ત ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું. જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે એમ્બ્યુલન્સમાંથી આશરે 5.80 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂ, એમ્બ્યુલન્સ અને અન્ય સામાન મળીને પોલીસે કુલ 15.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.













