સુરતના ઉધના વિસ્તારમાં આજે ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. રેવાનગર વિસ્તારમાં એક 19 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવકનું નામ નિમેષ પઢિયાર છે. આ ઘટના બપોરના સમયે બની હતી. જ્યારે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. નિમેષ એક કારખાનામાંથી માલ ઉતારી રહ્યો હતો. તે જ સમયે વીજળીના તારના સંપર્કમાં આવતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો.
ભારે વરસાદ વચ્ચે ઉધના રેવાનગરમાં સર્જાઈ દુર્ઘટના
વીજ કરંટ એટલો શક્તિશાળી હતો કે નિમેષનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું. આ દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ઘટના બાદ નિમેષના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. માતા-પિતા અને સંબંધીઓ પુત્રના અકાળે અવસાનથી ચોધાર આંસુએ રડી પડ્યા હતા.













