સુરતમાં નપાની ઢોર પકડવા ગયેલી ટીમ સાથે બબાલની ઘટના સામે આવી છે. નપાની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોર પકડ ઝુંબેશ હેઠળ રસ્તે પર રખડતા ઢોરને પકડવામાં આવે છે. ત્યારે આજે હીરાબાગ પાસે પાલિકાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતી ત્રણ ગાયોને પકડી હતી. અને થોડીવારમાં જ ત્યાં બે મહિલાઓ આવી પહોંચી. આ મહિલાઓએ નપાની ઢોર પાર્ટીએ પકડેલ ગાયોને છોડાવવા તેમની સાથે બબાલ કરી.


ગાયોને છોડાવવા મહિલાએ કરી બબાલ

શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે રસ્તા પર ખાડા અને ગાબડા પડ્યા છે. આવી સ્થિતિમાં રસ્તે રખડતા ઢોર વાહનચાલકો માટે મોટી સમસ્યા બની શકે છે. બિસ્માર રસ્તા અને રખડતા ઢોરના કારણે અકસ્માતનું જોખમ રહે છે. આ સ્થિતિ નિવારવા તંત્ર દ્વારા વરસાદને લઈને સર્જાયેલ ખરાબ રોડ રસ્તાના રિપેરિંગનું કામ શરૂ કરાયું છે. સાથે-સાથે રખડતા ઢોર પકડવાની પણ કવાયત હાથ ધરાઈ. આ કામગીરીને લઈને આજે કાપોદ્રામાં નપાની ઢોર પાર્ટીએ હીરાબાગ નજીક વિશાલ નગર સોસાયટીના રસ્તા પર રખડતી ત્રણ ગાયોને પકડી હતી. જો કે આ ગાયોને છોડાવવા બે મહિલાએ કર્મચારીઓ સાથે મોટી બબાલ કરી.

કર્મચારીને દાતરડું બતાવી આપી ધમકી

એક મહિલાએ તો પાલિકાના કર્મચારીઓને દાતરડું બતાવ્યું અને કહ્યું કે જો આ ઢોરને લઈ જશો તો જોવા જેવી થશે. વધુમાં આ મહિલાએ કહ્યું કે તમારે જે પૈસા જોઈતા હોય અને જે દંડ થતો હોય તે લઈ લો પણ હું તમને આ ઢોરને નહીં લઈ જવા દઉં. ત્યારે પાલિકાના કર્મચારીઓએ કહ્યું કે અમારા કામમાં રુકાવટ પેદા ના કરો અમને આ ગાયને લઈ જવા દો. છતાં બે મહિલાઓ ના માની અને કહેવા લાગી કે તમે લઈ જાવ તે પહેલા હું ગાયને ભગાડી દઈશ અને જબરજસ્તી કરશો તો તમને જાનથી મારી દઈશ. કાપોદ્રામાં ઢોર પાર્ટી સામે જીવલેણ હુમલાના પ્રયાસ બદલ મનપાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. મનપાની ફરિયાદ પગલે પોલીસે બે મહિલા સહિત એક શખ્સની અટકાયત કરી

  • Follow us on: