સુરતમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા અને લોકોને ધમકાવતા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નકલી પોલીસે મહિલા વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાની અને તેમની નોટરીની માન્યતા રદ કરાવી દેવાની ગર્ભિત ધમકી આપી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલા વકીલે હિંમત દાખવી રાંદેર પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસકર્મી વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાવ્યો છે.


અભદ્ર ભાષામાં વાત કરી ધમકી આપી

મળતી માહિતી મુજબ, નકલી પોલીસ બનેલા શખ્સે સૌપ્રથમ મહિલા વકીલના અસીલને ફોન કર્યો હતો. પોતાને અસલી પોલીસકર્મી ગણાવીને આરોપીએ અસીલને ઉમરા પોલીસ સ્ટેશને આવવા માટે દબાણ કર્યું હતું. 

મહિલા વકીલ સાથે અત્યંત અભદ્ર અને અપમાનજનક ભાષા વાત કરી

આ અંગે જ્યારે અસીલે પોતાના મહિલા વકીલને જાણ કરી, ત્યારે સત્યતા જાણવા માટે મહિલા વકીલે સામેથી તે કથિત પોલીસકર્મીને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન આરોપી પોતાની અસલી ઓકાત પર આવી ગયો હતો અને મહિલા વકીલ સાથે અત્યંત અભદ્ર અને અપમાનજનક ભાષામાં વાતચીત શરૂ કરી દીધી હતી.

ઓડિયો રેકોર્ડિંગ પોલીસને સોંપાયું

આરોપીએ મહિલા વકીલ પર રોફ ઝાડતા ધમકી આપી હતી કે તે તેમને ખોટા કેસમાં ફસાવી દેશે અને તેમની નોટરીની માન્યતા પણ રદ કરાવી દેશે. જોકે, મહિલા વકીલે આ સમગ્ર ધમકીભરી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ ઓડિયો ક્લિપ હવે મજબૂત પુરાવા તરીકે રાંદેર પોલીસને સોંપવામાં આવી છે. 

પોલીસ તપાસ શરુ

મહિલા વકીલે આરોપીની તાત્કાલિક ઓળખ કરી તેની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધીને ઓડિયો રેકોર્ડિંગના આધારે નકલી પોલીસની શોધખોળ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 


આ પણ વાંચો-----     Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય

  • Follow us on: