સુરત જિલ્લા અને રાજ્યના રાજકીય વર્તુળોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી જયરામ ગામીતને હૃદય રોગનો હુમલો આવ્યો છે. સુરતના બારડોલી ખાતે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે મંત્રી પહોંચ્યા હતા, જ્યાં ચાલુ કાર્યક્રમ દરમિયાન જ અચાનક તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.


ગ્રીન કોરિડોર કરીને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડાયા

કાર્યક્રમમાં હાજર સુરક્ષા સ્ટાફ અને પક્ષના કાર્યકરો દ્વારા મંત્રી જયરામ ગામીતની સ્થિતિ બગડતા જ તાત્કાલિક સારવાર આપવાની કવાયત હાથ ધરી હતી. વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને તેમને વધુ અને અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે બારડોલીથી સીધા જ સુરતની એક સુપર સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંત્રીને હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ વિલંબ ન થાય તે માટે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું.

કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા સફળ ઓપરેશન

સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતાની સાથે જ તજજ્ઞ ડોક્ટરો અને કાર્ડિયોલોજિસ્ટની વિશેષ ટીમ દ્વારા મંત્રીના જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હૃદયમાં બ્લોકેજ જણાતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંત્રી જયરામ ગામીતનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે.

સફળ સર્જરી બાદ હાલ મંત્રી ઓબ્ઝર્વેશન હેઠળ આઈસીયુમાં

ઓપરેશન પૂર્ણ થયા બાદ હાલમાં મંત્રી જયરામ ગામીતને સઘન દેખરેખ માટે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ હવે તેમની તબિયતમાં ધીમે-ધીમે સારો સુધારો જોવા મળી રહ્યો છે અને તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. મંત્રીને હાર્ટ એટેક આવ્યાની જાણ થતાં જ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને અનેક રાજકીય આગેવાનો તેમના ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે, જ્યારે તેમના સમર્થકો અને કાર્યકરો તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


આ પણ વાંચો - Surat: મહીધરપુરા પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચ્યો, આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ


  • Follow us on: