સુરતના ચકચારી નાસિર નગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા ના ઉચ્ચ અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને ખાતરી આપી છે કે ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ ચાલુ છે.


હાઈકોર્ટે કર્યા તીખા સવાલો

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મનપા અને સરકાર સામે સવાલોનો મારો ચલાવ્યો હતો. કોર્ટે પૂછ્યું કે, જો કોર્પોરેશને માત્ર ડિમાર્કેશન માટે જવાનું કહ્યું હતું, તો ત્યાં આટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો કેમ ખડકી દેવાયો હતો? ત્યાં હાજર ઉચ્ચ અધિકારીઓ કોના આદેશથી ગયા હતા? અને સૌથી મહત્ત્વનું કે ત્યાં ગરીબોના ઘરની વીજળી કાપવાનો આદેશ કોણે આપ્યો હતો?"

અત્યાર સુધી તમે શું કર્યું? 

કોર્ટે ઉધડો લેતા વધુમાં ઉમેર્યું કે, "આ ઘટનાને એક આખો મહિનો વીતી ગયો, તો અત્યાર સુધી તમે શું કર્યું? ડિમોલિશનના કારણે રસ્તા પર આવી ગયેલા અસરગ્રસ્ત ગરીબ પરિવારોનું હવે શું થશે?"

જે થયું તે નહોતું થવું જોઈતું: એડવોકેટ જનરલ

કોર્ટની નારાજગી વચ્ચે સુરત મનપા કમિશનર વતી રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટ સમક્ષ સ્વીકારતા મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે, "નાસિર નગરમાં જે કંઈ પણ થયું, તે ખરેખર નહોતું થવું જોઈતું." સરકારે બચાવમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જ પોલીસને લેખિતમાં જાણ કરીને મદદ લેવાઈ હતી. જો કે, મનપા તરફથી યોગ્ય સોગંદનામું રજૂ ન કરાતા કોર્ટે આકરી નારાજગી દર્શાવી છે અને જવાબદારો સામે કડક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. 


આ પણ વાંચો-----     Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ


  • Follow us on: