અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં અધવચ્ચે હવામાં એક મોટી મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી ઉપડેલી ફ્લાઇટ નંબર 6E-7018 માં પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહેલો 3 વર્ષનો બાળક માસ્ટર સૌરભ અચાનક હવામાં જ બેભાન થઈ ગયો હતો. બાળકની સ્થિતિ અત્યંત નાજુક બની જતાં વિમાનમાં સવાર તેના માતા-પિતા સહિત અન્ય મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ફ્લાઇટના પાયલટે ભારે તત્પરતા દાખવીને વિમાનને તાત્કાલિક નજીકના સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો સચોટ નિર્ણય લીધો હતો.


પ્લેનના ડોક્ટરોએ બાળકને આપી સારવાર

બાળકની તબિયત બગડતાં જ પ્લેનના ક્રૂ મેમ્બર્સ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, જેના પગલે ફ્લાઇટમાં જ મુસાફરી કરી રહેલા બે સાથી ડોક્ટરો તાત્કાલિક બાળકની વહારે આવ્યા હતા અને તેને પ્લેનની અંદર જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ, પાયલટે સુરત એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધી પરિસ્થિતિની ગંભીરતા જણાવી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. ATC તરફથી ગ્રીન સિગ્નલ મળતાં જ એરપોર્ટ પર સીએસએફ (CISF) ના જવાનો અને ક્રિટિકલ કેર મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે રનવે પર હાઈ-એલર્ટ મોડમાં તૈનાત થઈ ગઈ હતી.

બાળકને ખાનગી હોસ્પિટલ ખસેડાયો, ફ્લાઇટ મુંબઈ રવાના

ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ થતાં જ તબીબી ટીમે વિમાનની અંદર જઈને બાળકને એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે તાકીદે નજીકની હાઈટેક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમયસર અને ઝડપી મેડિકલ સારવાર મળી જતાં હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકની સ્થિતિ હવે બિલકુલ સ્થિર અને સલામત છે. આ તરફ સુરત એરપોર્ટ પર જરૂરી તમામ એવિએશન અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ ઇન્ડિગોની આ ફ્લાઇટ અન્ય મુસાફરોને લઈને મુંબઈ જવા માટે સુરક્ષિત રીતે રવાના થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: