પાલના યુવકને કોઈન અને ટોકનમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ટોળકીના વધુ ચાર ઝડપાયા છે, સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે મુખ્ય સૂત્રધારને મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાંથી સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે, તેમજ અન્ય ત્રણ ઠગ આરોપીઓને સુરતથી ઝડપી પાડયા છે, પોલીસે પકડાયેલ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે
PLCU, AURA, BDLT કોઈનમાં રોકાણની લોભામણી સ્કીમ આપી લાખોનું ફૂલેકું ફેરવવાના કેસમાં સાયબર સેલે વધુ 4 આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી માસ્ટર માઈન્ડ સુભાષ ઝેવરિયા રાજધાની ટ્રેનમાં બેસી દિલ્હી ભાગે તે પહેલાં જ સુરત સ્ટેશનેથી પકડાઈ ગયો હતો. મળતી વિગતો પ્રમાણે પાલમાં રહેતા અશ્વિનભાઈ સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. વર્ષમાં 3 થી 4 ગણા નાણાં મળશે એવી લોભામણી લાલચ અપાઇ હતી.
અલગ-અલગ કોઇનમાં 56.26 લાખનું રોકાણ કરાવી વળતરના નામે ઠેંગો બતાવ્યો આરોપીઓએ
હોટલોમાં મીટિંગ કરી ઝાંસો અપાયો હતો. PLC ULTIMA કોઈનમાં રોકાણ કરવાથી માલામાલ થઇ જશો એવા પ્રલોભનો-મોટીવેશન સ્પીચો આપી વિશ્વાસમાં લેવાયા હતા. 3 મહિનામાં મુદ્દલ પરત મળશે અને 3 ગણા રૂપિયા વર્ષે મળશે એવી લાલચ અપાતા અશ્વિનભાઈએ ભેજાબાજોએ BDLT કોઈનની જાહેરાતો કરી ઊંચા વળતરની લાલચ આપી 3.01 લાખનું રોકાણ કરાવી હાથ ઊંચા કરી દીધા હતા. AURA કોઇનમાં પણ 1.50 લાખનું રોકાણ કરાવ્યું હતુ, આ રીતે અલગ-અલગ કોઇનમાં 56.26 લાખનું રોકાણ કરાવી વળતરના નામે ઠેંગો બતાવાયો હતો. જે અંગે સાયબર સેલમાં ગુનો દાખલ થયો હતો.
આ ગુનામાં અગાઉ પણ આરોપી ઝડપાયા છે
આ ગુનામાં અગાઉ ત્રણની ધરપકડ બાદ વધુ 3 આરોપી અશ્વિન પરસોત્તમ ઠુમ્મર (ઉ.વ.૪૫, રહે- મિલેનિયમ સોસાયટી, વેલંજા- મુળ સાણથલી, પીપાવાવ, અમરેલી), સંજય નાનજી પટેલ (ઉં. વ.૫૨, રહે-સહયોગ સોસાયટી, સ્નેહ સંકુલ વાડી પાસે, આનંદ મહલ રોડ, અડાજણ- મુળ ચોટીલા, સુરેન્દ્રનગર) અને નરેન્દ્ર ગોરધન દુધાગરા (ઉ.વ.૪૯, રહે- આશિર્વાદ રોહાઉસ, નવજીવન હોટલ પાસે, સરથાણા- મુળ સડોદર, જામજોધપુર)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપી ઓરા કોઇનમાં રોકાણ કરાવવા એજન્ટની ભૂમિકા ભજવી હતી.