ગુજરાતમાં મોબાઈલ ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રસ્તા પર ફોન સ્નેચિંગના પણ બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં ચોરી કરેલા મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં એક આરોપી એર ઈન્ડિયાનો ટેકનિશિયન હોવાનું સામે આવ્યું છે. તે વધુ પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચઢ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી ચોરીના 279 ફોન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી એર ઈન્ડિયાનો ટેકનિશિયન
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં મોબાઈલ ફોન ચોરતા ત્રણ શખ્સોને ઉઘના પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ઝડપી 279 જેટલા ફોન જપ્ત કરી લેવાયા છે. આ ફોનની બજાર કિંમત આશરે 16.79 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે પકડેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી એર ઈન્ડિયાનો ટેકનિશિયન હોવાનું સામે આવ્યું છે. જેનું નામ ધીરજ જોપે હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. આરોપી ધીરજ ચોરીના ફોન ખરીદી તેના સ્પેરપાર્ટ્સ કાઢી લેતો હતો અને તેનું વેચાણ કરતો હતો. આ ઉપરાંત તે સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનના લોક તોડી તેના IMEI નંબર પણ બદલી નાંખતો હતો.













