ડુમસ રોડ-સાયલન્ટ ઝોનમાં અવધ કેરોલીના ખાતે રહેતા સેલ્સ મેનેજર તેમના મિત્રો સાથે એપાર્ટમેન્ટ પાસે પાનની દુકાને ઊભા હતા ત્યારે ઓડી કારમાં આવેલા ટ્રાન્સપોર્ટરે તેઓ સાથે રોડ ઉપર ઊભા રહેવા મામલે ગાળાગાળી ઓડી કારમાંથી પિસ્તોલ કાઢીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે સેલ્સ મેનેજરની ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી ડુમસ પોલીસે ફાયરિંગ કરનારની ધરપકડ કરી તેની પિસ્તોલ અને કાર કબજે કરી હતી.


સુરતના ડુમસ રોડ ઉપર ફાયરિંગ

પોલીસના જણાવ્યા મુજબ ડુમસ રોડ સાયલન્ટ ઝોન ખાતે અવધ કેરોલીનામાં રહેતા આકાશ સુનીલભાઈ શાહ નવજીવન જેગુઆર અને લેન્ડ રોવર શો રૂમમાં સેલ્સ મેનેજર છે. શનિવારે રાત્રે પોણા બારેક વાગ્યાના અરસામાં આકાશ પોતાની કાર એપાર્ટમેન્ટ નજીક પાર્ક કરી મિત્રો વિનીત ખરોડિયા, મિત ખલાસી, જય ખરોડિયા અને હર્ષ કાપડિયા સાથે ઊભો હતો. એ સમયે અવધ કેરોલીનામાં જ રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ નિરજ રાજકુમાર સિંઘ (ઉ.વ. ૩૮) તેની ઓડી કાર (જીજે ૧૯- એએમ ૭૭૮૭) લઈને આવ્યો હતો. જોરશોરથી હોર્ન વગાડીને અચાનક તેણે ગાળાગાળી શરૂ કરી હતી. આકાશ અને તેના મિત્રોએ નિરજ પાસે જઈ ગાળો કેમ આપે છે એમ કહેતા સામે તમરી બતાવતાં તમે રોડ વચ્ચે કેમ ઊભા છો એમ કહી નિરજ કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો.

ડુમસ પોલીસે નીરજ રાજકુમાર સિંઘની ધરપકડ કરી

થોડીવાર પછી નિરજ ફરી કારમાં અહીં પહોંચ્યો હતો તેણે એકાએક ઉશ્કેરાઈને તમને બધાને હું જોઈ લઉં છું એમ કહેતા કારમાં મૂકેલ બેગમાંથી પિસ્તોલ કાઢી હવામાં ફાયરિંગ કરતાં આકાશ અને તેના મિત્રોને મારી નાંખવાની ધમકી આપી હતી. સાયલન્ટ ઝોનના અવધ કેરોલીનામાં ફાયરિંગ બાબતે આકાશ શાહે ડુમસ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પીએસઆઇ બ્રિજેશ તિવારીએ ગુનો દાખલ કરી ઝડપભેર કાર્યવાહી હાથ ધરીને નિરજ સિંઘની ધરપકડ કરીને ઓડી કાર, પિસ્તોલ કબજે કરી હતી.પોલીસે વધુમાં જણાવ્યા મુજબ ડુમસ પોલીસે નિરજની ધરપકડ બાદ કાર, પિસ્તોલ અને લાઈસન્સ કબજે કરી હથિયાર લાઈસન્સ રદ કરવા રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: