સાત લાખની હીરાની છેતરપિંડી કરનાર આરોપીને પકડીને પરત ફરી રહેલી મહિધરપુરા પોલીસ નાથદ્વારામાં રોકાણ દરમિયાન ૨૩ વર્ષથી વોન્ટેડ રીઢો ચોર પણ મળી આવ્યો હતો. મહિધરપુરા પોલીસ મથકમાં એક વર્ષ પહેલાં હીરાબજારમાં આવેલી ગિરિરાજ જવેલર્સનાં મિતુલ શાહે સાત લાખના હીરાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ વેપારીની દુકાનમાં રાજસ્થાનના જયપુરનો ચિંતન રસિકલાલ શાહ વેપારી બનીને આવ્યો હતો અને સાત લાખની કિંમતના હીરા ખરીદી રફુચક્કર થઈ ગયો હતો.
આરોપી બાઈક ચોરીના ગુનામાં પણ ફરાર હતો
એક વર્ષથી વોન્ટેડ ચિંતન શાહને પકડવા ઈન્સ્પેક્ટર એન.એચ. બ્રહ્મભટ્ટે એક ટીમ જયપુર રવાના કરી હતી. પોલીસને ચિંતન શાહ મળી આવતાં તેની અરેસ્ટ કરી પોલીસ સુરત આવવા રવાના થઈ હતી. જયુપરથી પરત આવતી વખતે નાથદ્વારા આવતું હોઈ ટીમે અહીં પણ એક આરોપી ચેક કરવાનું નક્કી કર્યું હતું. નાથદ્વારાના બાગોલ ગામનો વતની શંકર પન્નાલાલ ગાયરી (ઉં.વ. ૪૩) ૨૩ વર્ષથી પોલીસને મથાવી રહ્યો હતો. ૨૦૦૨માં શંકર ગાયરી બીજા ત્રણ સાગરીતો સાથે મળી બેલ્જિયમ ટાવર પાસેથી બાઈક ચોરી હતી.













