સુરતમાં ઓનલાઈન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા તોતિંગ ટેરિફ બાદ હીરા માર્કેટની હાલત કફોડી બની છે. ભારે મંદીમાં ચાલી રહેલા હીરા માર્કેટમાં રત્ન કલાકારો પણ બેરોજગાર બન્યાં છે. તેવામાં હીરાના વેપારીઓ સાથે 4.80 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. વેપારીઓએ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.


હીરાના 6 વેપારીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં હીરાના 6 વેપારીઓ પાસેથી ઠગબાજોએ પોર્ટલ દ્વારા હીરાનો મોટો જથ્થો દુબઈ મંગાવ્યો હતો. વેપારીઓએ વિશ્વાસ રાખીને આ જથ્થો દુબઈ મોકલ્યો હતો. ત્યારબાદ આ ઠગબાજોએ ફોન બંધ કરી દીધો હતો. વેપારીઓએ પેમેન્ટ લેવાનો પ્રયાસ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. ઠગબાજોએ છ વેપારીઓને 4.80 કરોડનો ચૂનો લગાવ્યો હતો.

પોર્ટલ દ્વારા હીરાનો મોટો જથ્થો દુબઈ મંગાવ્યો હતો

વેપારીઓને જ્યારે ખબર પડી કે તેમની સાથે ઠગાઈ થઈ છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ વેપારીઓએ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાંચે વેપારીઓની ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને કરેલી આ ઠગાઈના મુળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

  • Follow us on: