સુરતના કોસંબાના તરસાડીમાં ગટરમાંથી મળેલી સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જિલ્લા પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આ મહિલાના હત્યારાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે.


તરસાડી વિસ્તારમાં ગટરમાંથી એક સૂટકેસ મળી હતી

તમને યાદ હશે કે ગત સોમવારે સુરતના કોસંબાના તરસાડી વિસ્તારમાં ગટરમાંથી એક સૂટકેસ મળી આવી હતી જેથી સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે સૂટકેસ બહાર કાઢીને જોતાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની હત્યા કરીને તેનો મૃતદેહ સૂટકેસમાં ભરીને ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે રવિ શર્મા નામના આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો

પોલીસે આ મામલાની ઝીણવટભરી તપાસ કરીને મહિલાની હત્યા કરી ફરાર થનારા રવિ શર્મા નામના આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. રવિ શર્મા મુળ બિહારના મુઝફ્ફપુરનો હોવાની માહિતી મળી છે.

 મહિલાએ લગ્ન માટે દબાણ કરતા ઉશ્કેરાયેલા રવિએ તેની ગળુ દબાવીને હત્યા કરી

પોલીસ સુત્રોએ જણાવ્યું કે રવિ લાંબા સમયથી એક મહિલા સાથે રહેતો હતો અને તેની સાથે તેને પ્રેમસંબંધ હતી. જો કે મહિલાએ લગ્ન માટે દબાણ કરતા ઉશ્કેરાયેલા રવિએ તેની ગળુ દબાવીને હત્યા કરી હતી અને મૃતદેહ સૂટકેસમાં ભરીને સૂટકેસ ગટરમાં નાખી દીધી હતી અને તે ફરાર થઇ ગયો હતો.

 રવિએ હત્યા પહેલા ટ્રોલી બેગ ખરીદી હતી

પોલીસે તપાસ કરતા રવિએ હત્યા પહેલા ટ્રોલી બેગ ખરીદી હતી. પોલીસે ચેક કરેલા સીસી ટીવીમાં આરોપી બજારમાંથી ટ્રોલી બેગ લઇને આવતો દેખાયો હતો જેના આધારે પોલીસે હત્યારાની ઓળખ કરીને તેની શોધખોળ શરુ કરી હતી

આરોપી ફિરોઝાબાદથી ઝડપાયો

દરમિયાન રવિનું લોકેશન દિલ્હી નજીક ફિરોઝાબાદ હોવાનું જાણવા મળતાં જિલ્લા પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને આરોપી રવિને ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમ આજે અથવા આવતીકાલે આરોપીને લઇને સુરત આવે તેવી સંભાવના છે. સાંજે પાંચ વાગે પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસા કરી શકે છે.


  • Follow us on: