વડોદરા શહેરમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન થયેલી લૂંટ અને ચોરીના એક ગંભીર મામલામાં ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. નવમા નોરતાની રાત્રે ગાજરવાડી વિસ્તારમાં મકાનમાલિકના પુત્રના ગળે તલવાર મૂકીને લૂંટ કરનારી સિકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. નવમા નોરતાની રાત્રે આરોપીઓ ગાજરવાડી વિસ્તારમાં એક મકાન પાસે પહોંચ્યા હતા. જ્યારે મકાનમાલિકનો પુત્ર ગરબા રમીને ઘરે પરત ફર્યો ત્યારે આરોપીઓએ તેને આંતરી લીધો હતો.


નવમા નોરતે ગાજરવાડીના મકાનમાં ચોરી થઇ હતી

આ લૂંટારુઓએ યુવકના ગળે તલવાર મૂકી દીધી હતી અને ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં આ ગેંગે બાજુના એક મકાનમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પોલીસ સક્રિય બની હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ અમરસિંગ બાવરી, કુલદીપ બાવરી અને પ્રેમસીંગ બાવરીની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ સિકલીગર ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

કુલ 1 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી તલવાર, ચોરી કરેલા દાગીના, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લીધેલા બાઇક કબજે કર્યા છે. પોલીસે ઝડપેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 1 લાખ 60 હજાર આંકવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: