વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની કામગીરી હાલ ગંભીર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એક પૂર્વ બુટલેગરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે પોલીસની મિલીભગતથી જ એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગવામાં સફળ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. આ વીડિયો વાયરલ થયા બાદ લક્ષ્મીપુરા પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે. આખરે ઘટનામાં ભીનું સંકેલાયુ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આખી ઘટનામાં ભીનું સંકેલાયું હોવાની ચર્ચા
પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે સ્ટાફની રહેમનજર હેઠળ આરોપીને છટકી જવામાં મદદ કરવામાં આવી હતી. પૂર્વ બુટલેગર દ્વારા કરવામાં આવેલા આ ધડાકાએ પોલીસ અને ગુનેગારો વચ્ચેના કથિત ગઠબંધનને ખુલ્લું પાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર તપાસનું દબાણ વધ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ લક્ષ્મીપુરા પોલીસે બુટલેગર રાકેશ કથીરીયાની ધરપકડ કરી ભીનું સંકેલી લીધું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસે મુદ્દામાલ તરીકે ચાર ક્વાટર બતાવ્યા અને બુટલેગર પાસે ઉઠબેસ કરાવી હતી.













