વાપી અને દમણ વચ્ચે આવેલા દમણ ગંગા રેલવે બ્રિજ પરથી એક અત્યંત અરેરાટીજનક ઘટના સામે આવી છે. રેલવે બ્રિજ પરથી ત્યજી દેવાયેલું એક મૃત નવજાત બાળક મળી આવ્યું છે. જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રેલવે GRP તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. માનવતાને શર્મસાર કરતી આ ઘટના બાદ પોલીસે બાળકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.
બાળકના મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવાયો
GRP પોલીસે આ નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈને બાળકને જન્મ આપનાર માતા-પિતા કે ત્યજી દેનાર વ્યક્તિની શોધ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસના ભાગરૂપે રેલવે GRP પોલીસે આજુબાજુના વિસ્તારમાં આવેલી તમામ જિલ્લાની હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી પ્રસુતિઓ અને ડિસ્ચાર્જ થયેલી મહિલાઓની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે.













