વાપી શહેર નજીક આવેલા છીરી વિસ્તારમાં એક યુવક પર થયેલા જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. અંગત અદાવતના કારણે પડોશીઓએ જ યુવક પર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટના લગભગ એક સપ્તાહ અગાઉ છીરી વિસ્તારમાં બની હતી. જ્યાં અંગત અદાવતના કારણે કેટલાક પડોશીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો.
અંગત અદાવતમાં યુવક પર કર્યો હતો હુમલો
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલો કરનારા શખ્સો હથિયારો સાથે યુવક પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે અને આવા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.













