વલસાડના વાપી નજીક સલવાવ વિસ્તારમાં મોડી સાંજે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે એકસાથે ત્રણથી ચાર ભંગારના ગોડાઉનો તેની ચપેટમાં આવી ગયા હતા. વાપીના સલવાવ નજીક આવેલ ભંગારના ગોડાઉનોમાં કચરો, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે ખૂબ ઝડપથી આજુબાજુના ગોડાઉનોમાં પ્રસરણ કર્યું હતું.


ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી

આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. જોકે આગના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ભીષણ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટર્સની અનેક ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યો છે. ગોડાઉનોમાં રહેલા ભંગાર અને પ્લાસ્ટિકને કારણે આગ બુઝાવવામાં મુશ્કેલી પડી રહી છે.

ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ

પરંતુ ફાયર બ્રિગેડની ટીમ આગને વધુ ફેલાતી અટકાવવા માટે સખત પ્રયાસો કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ભંગારના મોટા જથ્થાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસને પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી શરૂ કરી છે. આગ ઓલવાયા બાદ નુકસાની અને આગ લાગવાના મૂળ કારણની તપાસ હાથ ધરાશે.


  • Follow us on: