વલસાડ જિલ્લાના વાપીમાં આઈટીના દરોડા બીજા દિવસે પણ યથાવત છે ત્યારે વાપીમાં લેન્ડ ડેવલોપર્સ ઓને ત્યાં આઇટીના દરોડાને કારણે ખળભળાટ મચી ગયો હતો અને વાપીમાં ગેલેક્સી ગ્રુપમાં આઇટી સર્ચ ઓપરેશન ચાલુ છે, મોડી રાત્રે વાપી શહેરના મુખ્ય બજારમાં પીએમ એન્ટરપ્રાઇઝમાં પણ આઇટીનું સર્ચ ઓપરેશન અને પીએમ એન્ટરપ્રાઇઝ એક અગાડિયા પેઢી છે જ્યાં કેસની લેવડદેવડ કરવામાં આવે છે. દહેજમાં ખરીદાયેલી જમીન પ્રકરણને લઈ ચાલી રહી છે તપાસ.
આઇટીની લગભગ અડધા ડઝન જેટલી ગાડીઓ વડોદરાથી વાપી ખાતે પહોંચી હતી
વાપીના જાણીતા પ્રોપર્ટી ડીલર અને હોટલ ગેલેક્સી ગ્રુપના સંચાલક સૈયદભાઈ તથા તેમના સાથે સંકળાયેલા સ્થાનો ઉપર વડોદરા આઈટી વિભાગની ટીમે સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે હોટલ ગેલેક્સી સાથે જોડાયેલા વિવિધ બિઝનેસ યુનિટ્સ અને સંચાલકના નિવાસસ્થાન સહિત અનેક જગ્યાઓએ એકસાથે સર્ચ હાથ ધર્યું હતું. દરમિયાન વાપીના ચલા વિસ્તારમાં આવેલા યુનિટી પાર્ક સોસાયટીમાં પણ ટીમ દ્વારા એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારીના ઘરમાં તપાસ હાથ ધરી હતી. સવારે શરૂ થયેલી આ કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. આઇટીની લગભગ અડધા ડઝન જેટલી ગાડીઓ વડોદરાથી વાપી ખાતે પહોંચી હતી.
આવકવેરા વિભાગે સાવચેતીના ભાગરૂપે આ સર્ચ ઓપરેશન હાથ ધયું હોવાનું માનવામાં આવે છે
શહેરના ગેલેક્સી ગ્રુપ, પાયલ પ્રોપર્ટી અને અન્ય સંબંધિત બિઝનેસ સાથીદારોના સ્થળોએ એકસાથે તપાસ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આસપાસના વિસ્તારોમાં પોલીસની હાજરી પણ જોવા મળી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ગેલેક્સી ગ્રૂપ દ્વારા વાપી સહિત દહેજ વિસ્તારમાં મોટાપાયે જમીનની ખરીદી કરવામાં આવી રહી હતી, જેના કારણે આવકવેરા વિભાગની નજર તેમના વ્યવહારો પર હતી. ગેલેક્સી ગ્રૂપ અને તેના સંચાલકોએ તાજેતરમાં અનેક જમીન સોદા કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ સોદાઓની પાછળનો નાણાકીય સ્ત્રોત તથા તેની વાસ્તવિક આવક અંગે માહિતી મેળવવા આવકવેરા વિભાગે સાવચેતીના ભાગરૂપે આ સર્ચ ઓપરેશન હાથ ધયું હોવાનું માનવામાં આવે છે.
હજી સુધી આઈટી વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી
આ ઘટનાને પગલે વાપી અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત અન્ય બિલ્ડરો અને પ્રોપર્ટી ડીલરોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ પોતાના ઓફિસો અને હિસાબી દસ્તાવેજો ચકાસવાની: કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલી આવકના દસ્તાવેજો અને રોકડ મળી છે. જો કે, આઈટીએ તે અંગે સ્પષ્ટતા કરી નથી. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર વિગતો જાહેર કરવામાં આવશે.