વાપી જીઆઈડીસી ખાતે હકીમજી મોલ, લાપીનોઝ પિઝ્ઝાની ઉપર આર્નોલ્ડ કેનલ PET ક્લિનિક એન્ડ PET શોપ નામની PET ક્લિનિક ગેરકાયદેસર રીતે ચાલતું હોવાની રજૂઆતને પગલે વલસાડ જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.જે.વી.વસાવાની આગેવાનીમાં જિલ્લા સ્તરની ટીમ અને વાપી જીઆઈડીસી પોલીસની ટીમે સયુંકત રીતે સવારે આ ક્લિનિકની તપાસ કરી હતી.


કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી

તપાસ દરમિયાન ક્લિનિક અને પેટ શોપના સંચાલક હાજર હતા જેઓને આ ક્લિનિક ચલાવવા માટે લાઈસન્સ કે વેટનરી પ્રેકટીશનર તરીકેનું સર્ટિફિકેટ રજુ કરવા જણાવતા તેઓ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ રજુ કરી શક્યા નહિ જેથી તલસ્પર્શી તપાસ હાથ ધરતા વેટેરીનરી પ્રેક્ટીસની પરવાનગી વગર પેટ ક્લિનિક ચલાવામાં આવતું હોવાનું જણાય આવ્યું હતું. વધુ તપાસ હાથ ધરતા PET ક્લિનિક ચલાવવામાં આવતું હોય તેવું સેટ અપ તથા અનઅધિકૃત દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તપાસ ટીમ દ્વારા આ ક્લિનિકમાંથી પ્રિસ્ક્રીપ્સન વગરની દવા, એક્સ્પાયર થયેલી દવાઓ અને સર્જરીના સાધનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

નોટીસ આપી સદંતર બંધ કરવાની કાર્યવાહી

ગેરકાયદેસર રીતે ચાલતું આ પેટ ક્લિનિક અને પેટ શોપ બંધ કરવા માટે નોટીસ આપી સદંતર બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ પ્રકારના પશુઓના સારવાર માટે પશુ ચિકિત્સક પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની બીવીએસસી એન્ડ એએચ ની ડીગ્રી હોવી જરૂરી છે તથા તેનું રજીસ્ટ્રેશન ગુજરાત વેટેરીનરી કાઉન્સિલ અથવા ઇન્ડિયન વેટેરીનરી કાઉન્સિલમાં થયેલું હોઈ તો જ પશુ ચિકિત્સકને વેટનરી પ્રેકટીશનર તરીકે માન્યતા પ્રાપ્ત થાય છે, આ સિવાય કોઈ પણ વ્યક્તિ અન અધિકૃત રીતે દવાઓ આપી ક્લિનિક ચલાવે તો તે ભારતીય વેટરનરી કાઉન્સિલ અધિનિયમ, 1984 મુજબ ગુનો બને છે.

અનઅધિકૃત રીતે વેટનરી પ્રેક્ટીસ કરતા વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ

ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત રીતે વેટનરી પ્રેક્ટીસ કરતા વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લા પશુપાલન અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષકને અધિકૃત કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ અન અધિકૃત રીતે પશુ સારવાર કરતા જણાય તો પશુપાલન વિભાગ-વલસાડને જાણ કરી શકે છે જેથી પશુઓના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવતા ચેડા નિવારી શકાય અને મૂંગા પશુઓ પર કરવામાં આવતો અત્યાચાર ડામી શકાય.    

  • Follow us on: