આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગે દાહોદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તહેવારો દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમોએ દાહોદના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓ, સ્વીટમાર્ટ (મીઠાઈની દુકાનો) અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
દાહોદના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ
આ ચેકિંગ દરમિયાન ખાસ કરીને દૂધ, પનીર, માવા અને અન્ય મીઠાઈ તથા ફરસાણ જેવી વાનગીઓની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જાણવા માટે ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે એને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.













