દાહોદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા મુવાલીયા ચોકડી પાસે ભારે જળભરાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. જેના કારણે સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.
મુવાલીયા ચોકડી પાસે ભરાયા વરસાદી પાણી
આજે વહેલી સવારથી દાહોદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને મુવાલીયા ચોકડી પાસે પાણીનો ભરાવો એટલો બધો હતો કે રસ્તો તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું. આ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાઈ જતાં નાના વાહનો જેવા કે બાઇક અને રીક્ષાચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.













