દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં એક શરમજન અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગરીબોના પેટ પર પાટું મારનારા 295 લખપતિ પરિવારોનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં એવા લોકો સામેલ છે જેઓ નેશનલ ફૂડ સિકયુરિટી એકત (NFSA) હેઠળ ગરીબોને મળતી સરકારી અનાજ યોજનાનો ગેરકાયદે લાભ લઇ રહ્યા હતા. જ્યારે તેમની વાર્ષિક આવક લાખોમાં છે.
આવકવેરાના ડેટા પરથી થયો ખુલાસો
વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગના ડેટા પરથી આ ભયંકર કૌભાંડનો પર્દાફાશ થયો. આ ડેટા મુજબ, આ 295 રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ છે જે સ્પસ્ટપણે દર્શાવે છે કે તેઓ ગરીબી રેખા હેઠળ આવતા નથી. તેમ છતાં, આ લોકો વર્ષોથી ગરીબોનો હક છીનવીને મફત અનાજનો લાભ લઇ રહ્યા હતા. મામલતદારે તત્કાલોક કાર્યવાહી કરીને આ તમામ 295 લખપતિ લાભાર્થીઓને નોટિસ ફટકારી છે અને ખુલાસો માંગ્યો છે.
વધુ કૌભાંડ બહાર આવવાની શક્યતા
આ ઘટના તંત્રની બેદરકારી અને આતંરિક ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઉભા કરે છે. કયા અધિકારીઓની મિલીભગતથી આટલા લાંબા સમય સુધી આ ગેરરીતિ ચાલતી રહી? ગરીબોના હક છીનવતા આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ. વહીવટી તંત્ર જો સાચી રીતે તપાસ કરે, તો આવા અનેક ધનાઢ્ય પરિવારો બહાર આવી શકે છે જેઓ ગરીબોના નામે સરકાર લાભો લૂંટી રહ્યા છે. આ ઘટના માત્ર દેવગઢ બારીયા પૂરતી સીમિત નથી પરંતુ રાજ્યભરમાં આવા કૌભાંડોની ઊંડી તપાસ થવી જરૂરી છે.