દાહોદ જિલ્લામાં ખાતરની અછત અને તેના ઊંચા ભાવને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરથી એક ખાસ સ્ક્વોડ ટીમ દાહોદ ખાતે પહોંચી હતી. આ ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા ખાતર ડેપો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલી આઠ જેટલી ટીમો દ્વારા દાહોદના અલગ-અલગ ખાતર ડેપો પર તપાસ શરૂ કરવામાં આવી હતી.


તમામ વિગતોની ઝીણવટભરી ચકાસણી

આ ટીમો દ્વારા ખાતર ડેપોના લાયસન્સ, સ્ટોક પત્રક, વેચાણ પત્ર, બિલ બુક, ફિઝિકલ સ્ટોક અને પોસ મશીન સ્ટોક સહિતની તમામ વિગતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન માત્ર ખાતર ડેપોની જ નહીં, પરંતુ ખેડૂતોએ કેટલી ખાતરની ખરીદી કરી છે અને કયા પાકમાં તેનો ઉપયોગ કર્યો છે તેની પણ માહિતી એકત્ર કરવામાં આવશે. આનાથી એ સ્પષ્ટ થશે કે શું ખરેખર ખાતરની અછત છે કે પછી કેટલાક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરીને વધુ ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ દિવસ તપાસ હાથ ધરાશે

ગાંધીનગરથી આવેલી આ ટીમ આવનારા ત્રણ દિવસ સુધી દાહોદ જિલ્લાના ખાતર ડેપોની તપાસ ચાલુ રાખશે. આ તપાસના અંતે જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોને આશા છે કે આ તપાસથી તેમને યોગ્ય ભાવે અને પૂરતા પ્રમાણમાં ખાતર મળશે અને તેમની મુશ્કેલીઓનો અંત આવશે.


  • Follow us on: