ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે ચાલાક 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ કરીને કુલ 6 આરોપીઓને દબોચી લીધા છે. મહારાષ્ટ્રીયન પહેરવેશ ધારણ કરી, મરાઠી ઓળખ બનાવીને આ ટોળકી યુવકોને લગ્નના બહાને નિશાન બનાવતી અને લગ્નના ખર્ચના નામે લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરતી હતી. સાપુતારા પોલીસની સતર્કતા અને ચાલાક કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
કેવી રીતે આચરતા હતા છેતરપિંડી?
થોડા મહિનાઓ અગાઉ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, 'લૂંટેરી દુલ્હન' ટોળકીએ લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી અને લગ્નના ખર્ચ પેટે કુલ રૂપિયા 1,60,000 પડાવી લીધા હતા. આ ઘટના બાદ સાપુતારા પોલીસ મથકના પી.આઈ. આર.એસ.પટેલની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કમર કસી હતી. પોલીસ ટીમે ગુનેગારોને પકડવા માટે અનોખી યુક્તિ અપનાવી. પોલીસે મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી અને મરાઠી ઓળખ બનાવીને તપાસ હાથ ધરી. આ યુક્તિના આધારે, સાપુતારા પોલીસની ટીમે ગલકુંડ ગામ ખાતેથી 'લૂંટેરી દુલ્હન' ગેંગને ઝડપી પાડી.
કોણ કોણ ઝડપાયા?
આ બનાવમાં પોલીસે ગલકુંડ ગામ ખાતેથી મુખ્ય આરોપી ચંચલબેન ગંગાધરભાઈ સેંડે (ઉ.વ.35, રહે. નાશિક, મહારાષ્ટ્ર) અને વંદનાબેન ભગવાનભાઇ પાટીલ (ઉ.વ.40, રહે. કલવણ, નાશિક, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, પોલીસે અગાઉ આ ગુનામાં રાહીલબેન ઉર્ફે રાણીબેન વિનોદભાઈ પરમાર (રહે. આહવા, મૂળ કપડવંજ), રેખાબેન ઉર્ફે પુંજા વૈભવભાઇ જમદાડે, વિનેશભાઇ ઉર્ફે વૈભવભાઈ માણીકભાઈ જમદાડે (બંને રહે. આહવા), અને મધુભાઇ રતનભાઇ પવાર (ઉ.વ.52, રહે. ગોટીયામાળ, આહવા)ની પણ અટકાયત કરી હતી. આમ, કુલ 6 આરોપીઓને ઝડપી પાડીને પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
રૂપિયા 55,000 ની રિકવરી
સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં રૂપિયા 55,000 ની રોકડ રિકવરી પણ કરી છે. આરોપીઓની અટકાયત બાદ સાપુતારા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેથી આ ગેંગના અન્ય કોઈ સભ્યો હોય તો તેમને પણ ઝડપી શકાય અને આવી છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકો પણ ન્યાય મેળવી શકે. આ ઘટનાએ લગ્નના નામે થતી છેતરપિંડી સામે વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.