તહેવારોનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થો વેચવનારા શખ્સોનો પણ રાફડો ફાટી નિકળ્યો છે. જેના પગલે સરકારનું ફૂડ વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.


તહેવારોમાં ભેળસેળ કરનારા તત્વો પણ સક્રિય

તહેવારોનો હવે પ્રારંભ થઇ ગયો છે. આગામી 3 મહિના સુધી તહેવારો આવવાના છે અને તેના પગલે રાજ્યમાં ભેળસેળ કરનારા તત્વો પણ સક્રિય થઇ ગયા છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને અથવા તો નકલી ખાદ્ય પદાર્થો બનાવીને અસલીના નામે વેચવાનો કારસો આ ભેળસેળીયા તત્વો દ્વારા કરાઇ રહ્યો છે. આવા તત્વો લોકોના આરોગ્ય સાથે રીત સર ચેડાં કરી રહ્યા છે કારણ કે લોકોને એમ જ હોય છે કે જે તે બ્રાન્ડના બજારમાં મળતા ખાદ્ય પદાર્થો અસલી જ છે અને તેથી ખરીદી કરે છે.

તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પર દરોડો

જો કે હવે ફૂડ વિભાગ પણ સક્રિય બન્યું છે અને વિવિધ સ્થળોએ તપાસ કરીને નકલી ખાદ્યપદાર્થો તથા ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે . આજે બનાસકાંઠા ફૂડ વિભાગે ડીસામાં દરોડો પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. ફૂડ વિભાગે તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પર દરોડો પાડ્યો હતો.

ફેક્ટરીમાં રહેલો 1.67 લાખનો મુદ્દામાલ કબજે

ફૂડ વિભાગે જ્યારે દરોડો પાડ્યો ત્યારે નકલી ઘી બનાવાનું કામ ચાલી રહ્યું હતું. ફૂડ વિભાગે સેમ્પલ લઇને તપાસ કરતાં નકલી ઘી બનાવાતું હોવાનો પર્દાફાશ થયો હતો જેથી ફેક્ટરીમાં રહેલો 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ફૂડ વિભાગે પેઢીના માલિક સામે કાર્યવાહી કરી છે.

પેઢીનો માલિક અગાઉ પણ પકડાઈ ચુક્યો છે

ફૂડ વિભાગે જણાવ્યું કે આ પેઢીનો માલિક ભુતકાળમાં ઘણી વખત આ પ્રકારનું કૃત્ય કરતા પકડાઇ ચુક્યો છે અને તેની સામે કોર્ટ કાર્યવાહી પણ ચાલી રહી છે. પેઢી માલિક સામે અગાઉના ગુનાના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.


  • Follow us on: