રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની એક બસ પલટી ખાઈ જતાં અંદાજે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા કેનાલ રસ્તા પર સર્જાયો હતો. બસ મોરબીથી બાંટવા જઈ રહી હતી અને તેમાં અંદાજે 35થી વધારે મુસાફરો સવાર હતા. અકસ્માતમાં બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે 15થી 20 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.


ધોરાજીના જુનાગઢ રોડ કેનાલ રસ્તે બસ પલટી

બસ પલટી જતાં ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડતી થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મોરબીથી બાંટવા જતી એસટી બસને અકસ્માત

એસટી બસ વિભાગ દ્વારા હંમેશા એસટી અમારી, સલામત તમારી જેવા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ આ અકસ્માત બાદ આવા દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. મુસાફરોની સુરક્ષા અંગે નિગમે વધુ ધ્યાન આપવું જરૂરી છે. પોલીસે અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: