દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ 21 નિર્જન ટાપુઓ પર 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર 2025 સુધી જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જિલ્લામાં કુલ 24 ટાપુઓમાંથી 2 ટાપુઓમાં માનવ વસાહત છે જ્યારે 22 ટાપુ નિર્જન છે. નરારા ટાપુને છૂટ આપતાં બાકીના 21 ટાપુઓ માટે પૂર્વ મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ટાપુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
આ ટાપુઓ ધાર્મિક અને અન્ય પ્રસંગોએ શ્રદ્ધાળુઓ તેમજ વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે. રાષ્ટ્રવિરોધી તત્વો દાણચોરી, હથિયાર કે નશીલા પદાર્થો છુપાવવાની શકયતા હોય તે કારણે જનસલામતી માટે આ પગલાં લેવામાં આવ્યું છે.પ્રતિબંધિત ટાપુઓમાં ધાની, ગાંધીયોકડો, કાલુભાર, રોઝી, પાનેરો, ગડુ, ખીમરોઘાટ, આશાબાપીર, ચાંક, ધબધબો, દીવડી, સામિયાણી, નોરૂ, માન-લેફા-લંધા મરૂડી વગેરે ટાપુઓનો સમાવેશ થાય છે.
ટાપુઓ પર પ્રવેશ માટે લેખિત મંજૂરી ફરજિયાત
દ્વારકામાં તાજેતરમાં જ કેટલાક ટાપુઓ પર ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આ ટાપુઓ પર દાણચોરી. નશીલા પદાર્થોની હેરાફેરી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોવાની માહિતીને આધારે તંત્ર દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામું મુજબ આ ટાપુઓ પર પ્રવેશ માટે તે વિસ્તારના પ્રાંત અધિકારી અથવા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી ફરજિયાત રહેશે.