જામ ખંભાળિયા તાલુકામાં ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી કરાવવા આવેલા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ધરમપુર વિસ્તારના ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ સમૃદ્ધ પોર્ટલ બંધ હોવાથી તેમની નોંધણી થઈ શકતી નથી. સરકાર દ્વારા મગફળી, સોયાબીન, મગ અને અળદ જેવા પાકને ટેકાના ભાવે ખરીદવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે ખેડૂતો તેમના પાક અને જરૂરી દસ્તાવેજો લઈને કેન્દ્ર પર આવે છે.


બે દિવસથી પોર્ટલની કનેક્ટિવિટી ન મળવાને કારણે હાલાકી 

પરંતુ તારીખ 1 અને 2 સપ્ટેમ્બર એમ સતત બે દિવસથી પોર્ટલની કનેક્ટિવિટી ન મળવાને કારણે રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે દૂર દૂરથી અહીં નોંધણી કરાવવા માટે આવીએ છીએ અને બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ. પોર્ટલ ચાલતું ન હોવાથી અમારો સમય અને પૈસા બંને બગડી રહ્યા છે. જો પોર્ટલ સમયસર ચાલુ નહીં થાય તો અમે અમારા પાકને ટેકાના ભાવે વેચી શકીશું નહીં.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થતા ખેડૂતો મુંઝવણમાં મૂકાયા

જેના કારણે અમને મોટું નુકસાન થશે. આ પરિસ્થિતિએ ખેડૂતોને ભારે મુંઝવણમાં મૂકી દીધા છે. તેઓ સરકારને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા અને પોર્ટલ ફરી શરૂ કરવા માટે વિનંતી કરી રહ્યા છે. આ ઘટના સરકારી યોજનાઓનો લાભ લેવામાં આવતી અડચણોને સ્પષ્ટપણે દર્શાવે છે અને ખેડૂતોમાં રોષનું કારણ બની છે.


  • Follow us on: