નવરાત્રિનો તહેવાર નજીક આવતા જ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)ની ટીમો દ્વારા દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં ગરબાની ઉજવણી કરી શકે.


ખંભાળિયામાં ઘોડા સાથે પોલીસ ફરજમાં રહેશે 

જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે કુલ 565 જેટલા પોલીસ જવાનો ફરજ પર રહેશે. આ જવાનોમાં પુરુષ પોલીસ કર્મચારીઓ ઉપરાંત મહિલા પોલીસ અને 'સી' ટીમના સભ્યોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, મહિલા પોલીસ અને સી ટીમના જવાનો ગરબાના મેદાનોમાં પરંપરાગત પોશાકમાં ફરજ બજાવશે, જેથી તેઓ સામાન્ય લોકો સાથે ભળીને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકે. આગળ, 70 થી 80 જેટલી મહિલા પોલીસ અને ડી સ્ટાફની ટીમ પણ સક્રિય રહેશે. આ ટીમ ગરબાના મેદાનોમાં મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપશે અને છેડતી જેવા બનાવો અટકાવવા માટે ત્વરિત કાર્યવાહી કરશે.

 દ્વારકામાં ફૂટ પેટ્રોલિંગ 

દ્વારકા ઉપરાંત ખંભાળિયામાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. અહીં પોલીસ જવાનો ઘોડા સાથે પેટ્રોલિંગ કરશે. આ પ્રકારનું પેટ્રોલિંગ દૂરના વિસ્તારોમાં અને ભીડવાળી જગ્યાઓમાં ઝડપથી પહોંચવામાં મદદરૂપ થશે. ઘોડા સાથેના પોલીસ જવાનો ગરબાના મેદાનો અને આસપાસના વિસ્તારોમાં સતત ફરતા રહેશે જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સમગ્ર જિલ્લામાં પોલીસની આ સજ્જતા અને આયોજનથી ખેલૈયાઓ અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે. પોલીસનું આ ફૂટ પેટ્રોલિંગ અને વિશેષ ટીમની તૈનાતી, નવરાત્રિની ઉજવણીને સુરક્ષિત અને ભયમુક્ત બનાવવામાં મદદરૂપ થશે.

  • Follow us on: