નવરાત્રિના પાવન પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકા અને ખંભાળિયામાં જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. દ્વારકામાં પોલીસ અને એલસીબી દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તાર જેવા સંવેદનશીલ સ્થળો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન કુલ 565 જેટલા પોલીસકર્મીઓ ફરજ પર રહેશે.


દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારો અને ગરબાના સ્થળો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ પોલીસ ટુકડીમાં 70થી 80 જેટલી મહિલા પોલીસકર્મીઓ અને ડી-સ્ટાફની ટીમનો પણ સમાવેશ થાય છે. આ વખતે પોલીસની એક વિશેષ પહેલ જોવા મળશે કે મહિલા પોલીસ અને શી ટીમ ગરબાના સ્થળો પર ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે. જેથી ખેલૈયાઓ અને દર્શકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને. બીજી બાજુ ખંભાળિયામાં પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ જવાનો ઘોડા સાથે તૈનાત રહેશે.

565 જેટલા પોલીસ નવરાત્રીના તહેવારમાં ફરજ પર રહેશે

આ પગલાથી ભીડને નિયંત્રિત કરવામાં અને દૂરના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવામાં મદદ મળશે. આ પોલીસ બંદોબસ્તનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ માટે સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો છે. પોલીસ વડાએ ખાતરી આપી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે. આ સાથે જ આયોજકોને પણ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને પોલીસને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: