ગુજરાતની ભાણવડ નગરપાલિકા હાલમાં ભગવાન ભરોસે ચાલી રહી છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં વિસ્તારમાં ચાલી રહેલા મેળાની તૈયારીઓમાં પાલિકાના મોટાભાગના અધિકારીઓ, સભ્યો અને કર્મચારીઓ વ્યસ્ત છે. આ કારણે પાલિકાના રોજિંદા કાર્યો સંપૂર્ણપણે અટકી ગયા છે. ખાસ કરીને, આવકના દાખલા અને અન્ય જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે આવતા લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે, પરંતુ કર્મચારીઓની ગેરહાજરીને કારણે તેમના કામ થઈ શકતા નથી.


પાલિકાના કર્યો અટક્યા

પાલિકાના તમામ મુખ્ય કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો મેળાના સંચાલન અને વ્યવસ્થામાં લાગી ગયા છે. એટલું જ નહીં, ખુદ ચીફ ઓફિસર પણ ગેરહાજર હોવાથી વહીવટી કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને સંતોષકારક જવાબ મળી રહ્યો નથી. આ પરિસ્થિતિએ નાગરિકોમાં ભારે રોષ પેદા કર્યો છે. લોકોનું કહેવું છે કે, મેળાનું આયોજન જરૂરી છે, પરંતુ તેના કારણે નાગરિકોના તાત્કાલિક અને આવશ્યક કાર્યો અટકી ન જવા જોઈએ.

અધિકારીઓએ જાહેર સેવા અને સંતુલન જાળવવું જોઈએ

ભાણવડ નગરપાલિકાના આ બેદરકારીભર્યા વલણથી સ્થાનિક પ્રશાસન પર સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર સુશાસનની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પાલિકામાં સામાન્ય પ્રશાસન પણ ચાલી રહ્યું નથી. અધિકારીઓએ મેળા અને જાહેર સેવાઓ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. આશા છે કે આ મુદ્દો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.


  • Follow us on: