દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો છે અને વર્ષોથી જ આ વિસ્તારમાં આર્થિક શૈક્ષણિક રીતે પછાત જિલ્લો હોઈ અને તેમાં પણ આ જિલ્લાની સરકારી શાળામાં 1300 જેટલા શિક્ષકોની ઘટ હોઈ જેની રજુઆત રાજ્યના મુખ્યમંત્રીને જિલ્લાના સરપંચો દ્વારા પત્ર લખી કરવામાં આવતા કેવી રીતે ભણશે બાળકો તે પણ મોટો સવાલ છે. દેવભૂમિ જિલ્લાના મોડપર, નાવદ્રા, ધૂમથળ, ભાટવડીયા, ગાગા, લાલુકા, ધતુરિયા, લાંબા, મણીપુર-હાબરડી, જામખીરસરા, ગુંદા, ગોજીનેશ, ચાંદવડ, ગાંગડી સહિતના 85 જેટલા ગામોના સરપંચો દ્વારા ઘટતા શિક્ષકોને લઈ લેખિત રજુઆત કરવામાં આવી છે.


બેથી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને સાથે 1 કલાસરૂમમાં ભણાવવામાં માટે મજબૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈ અગાઉ પણ વાલીઓ દ્વારા શાળાના આચાર્ય અને અધિકારીઓ દ્વારા પણ રજુઆત કરવામાં આવી ચુકી છે, છતાં પણ શિક્ષકોની ઘટ પૂરતી કરવામાં આવી નથી. હાલ જિલ્લામાં કેટલીક સ્કૂલો એવી પણ છે જ્યાં ધોરણ 1થી 5માં 200 જેટલા બાળકો છે, ત્યાં માત્ર એક જ શિક્ષક છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં એક કે બે જ શિક્ષક તો ક્યાંક શાળામાં શિક્ષક બેથી ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને સાથે એક કલાસરૂમમાં ભણાવવામાં માટે મજબૂર બને છે, ત્યારે દેવભૂમિ દ્વારકા છેવાડાનો જિલ્લો હોવાથી કોઈ શિક્ષક ન આવતા હોવાથી બાળકો શિક્ષણથી વંચિત પણ રહેતા હોવાના અનેક કિસ્સામાં જોવા મળતા હોય છે. શાળાઓમાં શિક્ષકની ઘટને લઈ શાળાઓમાં અનિયમિતતાને કારણે મધ્યમ અને નાના વર્ગના બાળકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે.

વાલીઓ તેમના સંતાનોને શાળાએ મોકલવાના બદલે ઘર પર જ રાખે છે

સાથે જ ગરીબ મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મેળવવા ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ખર્ચ ખૂબ વધી જતો હોય, જેથી પણ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ તેના સંતાનોને શાળાએ મોકલવાના બદલે ઘર પર જ રાખે છે, ખાનગી શિક્ષણ મેળવવું મોંઘુ છે. જ્યારે કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં કે છેવાડાના ગામડાઓમાં ખાનગી સ્કૂલો પણ નથી, ત્યારે સરકારી શાળાઓના શિક્ષકની ભરતી થતી ન હોઈ મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોય તો કેવી રીતે ભણશે ગુજરાત એ સવાલ તો થવાનો જ. સરકારી શાળામાં અનેક સરકારી યોજના બાળકો માટે ઉપલબ્ધ છે, પરંતુ જ્ઞાનના મંદિરમાં મંદિરનો પૂજારી જ ન હોય તો કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે, તે સૌથી મોટો સવાલ છે અને આ સવાલનો જવાબ સરકાર શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરી તમામ શાળાઓમાં પૂરતા શિક્ષક મુકવામાં આવે તો જ સાચા અર્થમાં ભણશે ગુજરાત. વિદ્યાના મંદિરમાં વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધશે તો ગુજરાત પણ ચોક્કસ આગળ વધશે અને દેશ પણ આગળ વધશે તે ચોક્કસ છે.

  • Follow us on: