ગઢડા(સ્વામીના)શહેરમાં બોટાદ રોડ પર કેનાલના રસ્તેથી પોલીસે એક આઈશર ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. લોક મેળાના બંદોબસ્ત દરમિયાન પોલીસે આઈશર ગાડીની તપાસ કરતા તેમાં જનરેટરની આડમાં યુક્તિપૂર્વક છુપાવેલો કુલ રૂપિયા 80 લાખથી વધુની કિંમતનો દારૂ મળી આવ્યો છે. ગઢડા ટાઉન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બોટાદ રોડ પર કેનાલ બાયપાસ રસ્તે એક કાળી તાડપત્રી બાંધેલી શંકાસ્પદ આઈશર ગાડી(નં. GJ-38-TA-5233) જોઈ હતી.
જુદી જુદી બ્રાન્ડની નાની મોટી 14,907 દારૂની બોટલો મળી આવી
પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ગાડી રસ્તા પર મૂકીને અંધારાનો લાભ લઈ વાડી વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા ડાલામાં એક મોટું જનરેટર જેવું મશીન જોવા મળ્યું હતું. જેના પર ઇલેક્ટ્રિક સ્ટાર્ટર અને ફ્યુઝ પણ લગાવેલા હતા. શંકા જતા પોલીસે સ્ક્રુડ્રાઈવરથી ઢાંકણું ખોલતા અંદરથી જુદી જુદી બ્રાન્ડની 14,907 દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત રૂપિયા 80,37,792 આંકવામાં આવી છે.













