ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સિઝનના પ્રથમ વરસાદે 2007 પછી અઢાર વર્ષો બાદ રેકોર્ડ સર્જ્યો હતો.


વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું

ગઢડા શહેર તેમજ સમગ્ર પંથકમાં ગત સાંજથી રાત્રિ દરમિયાન સતત વરસાદ શરૂ રહયો હતો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મોટાભાગના નદીનાળાં, ચેકડેમો છલકાઈ જતા સતત પાણીનો પ્રવાહ શરૂ રહ્યો હતો. આ વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું છે. શ્રીકાર વરસાદના પગલે અને પાણીના સ્ત્રોત જીવંત બનતા ધરતીપુત્રોમાં આશાના સંચાર વચ્ચે આનંદની લહેર છવાઈ જવા પામી છે. ગઢડા શહેરમા ગત સાંજથી સવાર સુધીમાં સરકારી માહિતી મુજબ તેર ઈંચ (389 મીમી) વરસાદ નોંધાયો હતો.

 સરકારી તંત્ર સજજ થતા નિરિક્ષણ કામગીરી શરૂ કરવામાં આવી

આ વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જતા એસ.ટી. સહિત વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ વરસાદમાં ઘેલો નદી સહિત કેટલીક જગ્યાએ નાના મોટા વાહનો સાથે ચાલકો ફસાવાની તથા તણાઈ જવાની ઘટના બનતા રેસકયુ કરી બચાવકાર્ય હાથ ધરાયું હતુ. તેમજ કેટલાક કાચા મકાનો ધરશયી થઈ ગયા હતા. આ વરસાદ દરમિયાન તકેદારીના ભાગરૂપે સરકારી તંત્ર સજજ થતા નિરિક્ષણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વરસાદમાં પૂર જેવી જોખમી પરિસ્થિતિમાં સુરક્ષા માટે અવરજવર નહી કરવા તેમજ ઘરમાં રહેવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. વધારે જાણવા મળતી વિગત અનુસાર સતત વરસાદના કારણે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા નદિ નાળા ઓવરફ્લો થતાં અનેક ગામોના રસ્તાઓ થયા બંધ થઈ ગયા હતા.

વીજ પુરવઠો નિયમિત કરવા માટે વીજ કંપનીના કર્મચારીઓ સતત ખડેપગે

જેમાં ગઢડાથી નિંગાળા -રોહિશાળા, ઉગામેડી થી ઝીઝાવદર, પ્રહલાદગઢ થી રાજપીપળા, રાજપરાના પાટીયા થી હામાપર ગામ તરફ, બોડકી વનાળી અને ગઢાળી, ટાટમ થી ભીમડાદ રોડપર બાવળ પડતા રસ્તો બંધ, સમઢીયાળા - મોટી કુંડળ ભીમોરીમાના મંદિર પાસે નવુ બનેલ નાળા મા ગાબડું પડવા સહિતના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જયારે પીપળીયા ગામે પૂર જેવી સ્થિતિ ઉભી થવા એન.ડી.આર.એફ. ની ટીમ બોલાવવી પડી હતી. એક સાથે ધોધમાર વરસાદના કારણે ઉભી થયેલી કટોકટી જેવી પરિસ્થિતિમાં અનેક સ્થળોએ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર બળી જવાથી વીજ પુરવઠો વારંવાર અને લાંબા સમય સુધી ખોઈવાઈ જતા તંત્ર ઠપ્પ બની ગયુ હતુ. આ વીજ પુરવઠો નિયમિત કરવા માટે વીજ કંપનીના કર્મચારીઓ રાત્રિ - દિવસ સમારકામ માટે સક્રીય રહ્યા હતા.

  • Follow us on: