ગત તારીખ 21-08-2025 ના પડાણા નજીક પગપાળા જતા યુવકની લૂંટના ઈરાદે હત્યા કરેલી મરણ જનાર સુનિલ નટ અને તેની માસીનો દીકરો વિશાલ નટ બંને બિહારના રહેવાસી છે. બંને કામસર મોરબી ગયેલા અને મોરબીથી બસમાં બેસીને ઘરે પરત ફરતાં હતા. રસ્તામાં તેઓ પડાણા પાસે ઉતરી ગયા હતા.પગપાળા ઘર તરફ જતા હતા ત્યારે જૂની એઆરસી હોટેલ પાસે સર્વિસ રોડ પર બાઈક પર આવેલી ત્રિપુટીએ તેમને અટકાવ્યા હતા.


લૂંટારૂઓ એ છરી મારતા મોત

આરોપીઓએ છરી બતાડીને બંનેના ખિસ્સામાં રહેલા પૈસા અને મોબાઈલ ફોન કાઢવા પ્રયાસ કર્યો હતો. તે સમયે મરણ જનાર સુનિલે પ્રતિકાર કરવા પ્રયાસ કરતા એક શખ્સે તેને છાતીમાં છરી મારી દીધી હતી. ગંભીર ઈજાથી સુનિલ નીચે જમીન પર ઢળી પડ્યો હતો.બાઇક આવેલા ત્રણ શખસો ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા. આ ઘટના મામલે પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે માર્ગો અને વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઘટના સ્થળથી લઈ ચારે દિશા તરફ જતાં 110 કિલોમીટર લાંબા રૂટ પરના 215 સીસીટીવી કેમેરાના 850 જીબીના ફૂટેજ બૅકઅપ લઈ ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી હતી.

પોલીસે આરોપીઓને ઝડપી લીધા

આ દરમિયાન હત્યામાં વપરાયેલી બાઈક સાથેના ત્રણે આરોપીને બાતમી આધારે અંજારના મોટી નાગલપર ગામ પાસેથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે સિકંદર ઊર્ફે સિકલો લતીફ બાફણ, રમજાન અલીમામદ ચાવડા અને ઓસમાણ ઊર્ફે ઓમા હાજી સાંઘાણીની ધરપકડ કરી છે. સિકંદર ઊર્ફે સિકલો ગુનાનો સૂત્રધાર છે. આ ત્રિપુટી રાત્રિના સમયે એકલદોકલ જતા રાહદારીઓને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપી સિકલા સામે અગાઉ અંજાર પોલીસ સ્ટેશન અને ભુજ એ,ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: