કચ્છના ગાંધીધામ શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરની જાણીતી સી.જે. ગિધવાણી સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં બહારના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના છાત્રો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. શાળા છૂટતી વખતે આ ઘટના બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઝપાઝપી અને મારામારી થતી સ્પષ્ટ જોવા મળી હતી.
C.J.ગિધવાણી સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
આ પ્રકારની ઘટનાઓ આ શાળાની બહાર વારંવાર બનતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે વાલીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે શાળાના પ્રિન્સિપાલે અગાઉથી જ આ પ્રકારની ઘટનાઓ અંગે પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આ ઘટના બની હતી. વાલીઓ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.
શાળા છૂટતી વખતે થતી ઘટનાઓથી વાલીઓ ચિંતિત
તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અમદાવાદ જેવી દુર્ઘટના અહીં પણ બની શકે છે. તાજેતરમાં જેમ અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીમાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. તેવું અહીં પણ બની શકે છે. શાળાની બહાર યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓની બહાર વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે.