આજે વિધાનસભાના નેવા સેવા કેન્દ્ર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીઓને ‘નેવા’ એપ્લિકેશનની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત હરહંમેશ ટેક્નોલોજીનો સફળતા પૂર્વક ઉપયોગ કરતું રહ્યું છે. ગુજરાત વિધાનસભાનું તમામ કામકાજ ઓનલાઈન કરવામાં આવ્યું છે.
વિધાનસભા સત્રની સંપૂર્ણ કામગીરી પેપરલેસ કરાઈ
જેથી આપ સૌ નવનિયુક્ત મંત્રીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ વિશે વધુ માહિતગાર બનો અને વિધાનસભાની કામગીરી વધુ સરળ બનાવી શકો તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતે મક્કમ પગલું ભરી વિધાનસભા સત્રની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી છે. આગામી 15મી વિધાનસભાના આઠમાં સત્રમાં નવનિયુક્ત મંત્રીઓ નેવા એપ્લિકેશનના માધ્યમથી પોતાની કામગીરીના જવાબો પેપરલેસ આપી શકે તે અંગેની સુદ્રઢ વ્યવસ્થા આ એપ્લિકેશન મારફતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે નવનિયુક્ત મંત્રીઓને શક્ય એટલા ઓછા શબ્દોમાં પોતાના પ્રશ્નોનો જવાબ આપવા સુચન કર્યું હતું.













