ફરી એક વાર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના કેન્દ્ર સચિવાલય પાસે જ સર્જાયો હતો એક ગંભીર અકસ્માત. ચ રોડ પર સચિવાલય નજીક એક કાર અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતની આ ઘટના ચ રોડ પર બની હતી. નશાની હાલતમાં બેફામ રીતે કાર ચલાવી રહેલા ચાલકે એક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.


સદનસીબે જાનહાનિ ટળી

સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કારચાલકને પકડી પાડ્યો હતો અને પ્રાથમિક તપાસમાં તે નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

શહેરમાં વધતા જતાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સા

આ અકસ્માતે ફરી એકવાર શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના વધતા કેસો અને તેની ગંભીરતાને ઉજાગર કરી હતી. સચિવાલય જેવા અત્યંત સુરક્ષિત અને વ્યસ્ત વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. પોલીસે આવા બેફામ ચાલકો સામે કડક પગલાં ભરવા અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવાની જરૂર હોય તેમ લાગી રહી છે.


  • Follow us on: