ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી પ્રક્રિયામાં આમૂલ અને ઐતિહાસિક બદલાવ લાવવાની તડામાર તૈયારી કરી રહી છે. સંદેશ ન્યૂઝના હાથ લાગેલા સરકારના એક અત્યંત ખાનગી પત્ર વ્યવહારમાંથી આ ચોંકાવનારી અને રોજગારલક્ષી માહિતી લીક થઈ છે.
હવે 'અનુભવની ફરજિયાત જોગવાઈ' નાબૂદ કરવાની દરખાસ્ત
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ એડિશનલ ચીફ સેક્રેટરીને આ વહીવટી સુધારા અંગે એક મહત્વનો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત સુધારા અંતર્ગત સૌથી મોટો ફેરફાર એ છે કે, ઉચ્ચ વહીવટી ભરતીઓમાંથી હવે 'અનુભવની ફરજિયાત જોગવાઈ' નાબૂદ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. એટલે કે, હવે કોઈપણ શાખાના સ્નાતક ઉમેદવાર આ પરીક્ષામાં સીધા જ ભાગ લઈ શકશે, જેથી ફ્રેશર્સ અને યુવાનો માટે સરકારી ક્ષેત્રે સીધી તકો ખુલશે.













