ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માણસાના અલુવા ગામમાં વર્ષો જૂની પાણીની ઓવરહેડ ટાંકી અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકી જે સમયે તૂટી પડી ત્યારે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે એક બહુ મોટી રાહતની વાત છે. જોકે, ટાંકી તૂટવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
રહેણાંક મકાન પર પડી ટાંકી, ઘરનો કુરચો બોલી ગયો
અલુવા ગામની આ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી. આજે અચાનક તે બાજુમાં આવેલા એક રહેણાંક મકાન પર ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકીનો હજારો ટન વજનનો કાટમાળ સીધો ઘરની છત પર પડતાં મકાનને મોટું નુકસાન થયું છે અને ઘરની દીવાલો તેમજ છત તૂટી પડી છે. દુર્ઘટના સમયે ઘરના સભ્યો નસીબજોગ બહાર હોવાથી અથવા સમયસૂચકતા વાપરીને હટી જવાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ઘરવખરી અને મકાન સંપૂર્ણપણે નાશ પામ્યા છે.













