બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અનો પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી બનાવાયા છે. જ્યારે આ બંને સહિત 85 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચ્યાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 50થી વધુ વાહનો પણ ડિટેઈન કર્યા છે. આ ઘટના મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
આ કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો માત્ર બહાનું હતું
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હકિકતમાં આ ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીદડમાં થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી. ત્યાં કોઈપણ મુદ્દો નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈ પહોંચ્યા હતાં. આ કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો માત્ર બહાનું હતું.













