ગાંધીનગરના સેક્ટર-22 વિસ્તારમાં આવેલા જાણીતા 'નેહા નર્સિંગ હોમ' માં એક ગર્ભવતી મહિલાને ડિલિવરી (પ્રસૂતિ) માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો, જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. બાળકનો જન્મ સ્વસ્થ રીતે થયાના ગણતરીના ૨૪ કલાકની અંદર જ પ્રસૂતા મહિલાનું અચાનક કરુણ મોત નીપજ્યું હતું. માતાના મોતના પગલે હજુ હમણાં જ જન્મેલા માસૂમ બાળકે છત્રછાયા ગુમાવી દીધી છે.
તબીબે મળવાનો ઇનકાર કરતાં પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપો
મહિલાના અકાળે અને રહસ્યમય મોતને પગલે શોકગ્રસ્ત પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે હોસ્પિટલના ડૉક્ટરની ઘોર બેદરકારી અને સારવારમાં ક્ષતિના કારણે જ મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ગંભીર ઘટના બન્યા બાદ જ્યારે તેઓ જવાબદાર ડૉક્ટરને પૂછપરછ કરવા માટે મળવા ગયા, ત્યારે સંબંધિત તબીબે પરિવારને રૂબરૂ મળવાનો અને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તબીબના આવા ઉદ્ધત વર્તનને કારણે પરિવારનો આક્રોશ બેવડાયો હતો અને તેમણે હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો.













